I Like :)

  1. બારણું – રાજેશ વ્યાસ મિસ્કીન
    બંધ એ ભીની નજરનું બારણું,
    ને સતત ખુલ્લું કબરનું બારણું.એક ઇચ્છા આખરી ‘મા’ને હતી,
    કે જુએ રંગેલ ઘરનું બારણું.

    એમને આવ્યો અતિશય યાદ હું,
    જ્યાં નિહાળ્યું ઘર વગરનું બારણું.

    થાક ભૂલી પગ ફરી દોડી શક્યા,
    યાદ આવ્યું હમસફરનું બારણું.

    ઊઘડી ને બંધ ઓચિંતું થતું,
    કોઈ ખટમીઠી ખબરનું બારણું.

  2. ચારણકન્યા – ઝવેરચંદ મેઘાણી
    સાવજ ગરજે!
    વનરાવનનો રાજા ગરજે,
    ગીરકાંઠાનો કેસરી ગરજે,
    ઐરાવતકુળનો અરિ ગરજે,
    કેડપાતળિયો જોઘ્ધો ગરજે,
    મ્હોં ફાડી માતેલો ગરજે,
    જાણે કો જોગંદર ગરજે,
    નાનો એવો સમદર ગરજે.
    ક્યાં ક્યાં ગરજે?
    બાવળનાં જાળામાં ગરજે,
    ડુંગરનાં ગાળામાં ગરજે,
    કણબીનાં ખેતરમાં ગરજે,
    ગામ તણાં પાદરમાં ગરજે,
    નદીઓની ભેખડમાં ગરજે,
    ગિરિઓની ગોહરમાં ગરજે,
    ઉગમણો, આથમણો ગરજે,
    ઓરો ને આઘેરો ગરજે.
    થર થર કાંપે!
    વાડામાં વાછરડાં કાંપે,
    કૂબામાં બાળકડાં કાંપે,
    મધરાતે પંખીડાં કાંપે,
    ઝાડ તણાં પાંદલડાં કાંપે,
    પહાડોના પથ્થર પણ કાંપે,
    સરિતાઓનાં જળ પણ કાંપે,
    સૂતા ને જાગંતા કાંપે,
    જડ ને ચેતન સૌએ કાંપે.
    આંખ ઝબૂકે!
    કેવી એની આંખ ઝબૂકે?
    વાદળમાંથી વીજ ઝબૂકે,
    જોટે ઊગી બીજ ઝબૂકે,
    જાણે બે અંગાર ઝબૂકે,
    હીરાના શણગાર ઝબૂકે,
    જોગંદરની ઝાળ ઝબૂકે,
    વીર તણી ઝંઝાળ ઝબૂકે,
    ટમટમતી બે જ્યોત ઝબૂકે,
    સામે ઊભું મોત ઝબૂકે.
    જડબાં ફાડે!
    ડુંગર જાણે ડાચાં ફાડે,
    જોગી જાણે ગુફા ઉઘાડે,
    જમરાજાનું દ્વાર ઉઘાડે,
    પૃથ્વીનું પાતાળ ઉઘાડે,
    બરછી સરખાં દાંત બતાવે,
    લબ લબ કરતી જીભ બતાવે.
    બહાદુર ઊઠે!
    બડકંદાર બિરાદર ઊઠે,
    ફરસી લેતો ચારણ ઊઠે,
    ખડગ ખેંચતો આહીર ઊઠે,
    બરછી-ભાલે કાઠી ઊઠે,
    ઘર-ઘરમાંથી માટી ઊઠે,
    ગોબો હાથ રબારી ઊઠે.
    સોટો લઈ ઘરનારી ઊઠે,
    ગાય તણા રખવાળો ઊઠે,
    દૂધમલા ગોવાળો ઊઠે,
    મૂછે વળ દેનારા ઊઠે,
    ખોંખારો ખાનારા ઊઠે,
    માનું દૂધ પીનારા ઊઠે,
    જાણે આભ મિનારા ઊઠે.
    ઊભો રહેજે!
    ત્રાડ પડી કે ઊભો રે’જે,
    ગીરના કૂત્તા ઊભો રે’જે,
    કાયર દુત્તા ઊભો રે’જે,
    પેટભરા! તું ઊભો રે’જે,
    ભૂખમરા! તું ઊભો રે’જે,
    ચોર-લૂંટારા ઊભો રે’જે,
    ગા-ગોઝારા ઊભો રે’જે.
    ચારણકન્યા
    ચૌદ વરસની ચારણકન્યા,
    ચુંદડિયાળી ચારણકન્યા,
    શ્વેતસુંવાળી ચારણકન્યા,
    બાળી ભોળી ચારણકન્યા,
    લાલ હીંગોળી ચારણકન્યા,
    ઝાડ ચડંતી ચારણકન્યા,
    પ્હાડ ધૂમંતી ચારણકન્યા,
    જોબનવંતી ચારણકન્યા,
    આગ ઝરંતી ચારણકન્યા,
    નેસ નિવાસી ચારણકન્યા,
    જગદંબા શી ચારણકન્યા,
    ડાંગ ઊઠાવે ચારણકન્યા,
    ત્રાડ ગજાવે ચારણકન્યા,
    હાથ હિલોળી ચારણકન્યા,
    પાછળ દોડી ચારણકન્યા.
    ભયથી ભાગ્યો!
    સિંહણ, તારો ભડવીર ભાગ્યો,
    રણ મેલીને કાયર ભાગ્યો,
    ડુંગરનો રમનારો ભાગ્યો,
    હાથીનો હણનારો ભાગ્યો,
    જોગીનાથ જટાળો ભાગ્યો,
    મોટો વીર મૂછાળો ભાગ્યો,
    નર થઈ તું નારીથી ભાગ્યો,
    નાનકડી છોડીથી ભાગ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s